Tension

તાણ (ટેન્શન) ‘બોધરેશન’ એ આદિકાળથી માનવમાત્રને ત્રાસ આપી રહેલ છે. ભય હોય ત્યારે એની પર વિજય મેળવવા માટે શરીર જ્યારે સક્રિય બને છે ત્યારે તે વખતે જે સંવેદન અથવા લાગણી માનવીના મનમાં જાગે છે એને આપણે તાણ-દબાણ-ટેન્શન-તનાવ કહીએ છીએ. તાણનું મુખ્ય કારણ ભય છે અને ભયનાં તો અનેક કારણો હોય છે. માનસશાસ્ત્રની માન્યતા છે કે ઉંમરલાયક વ્યક્તિના ટેન્શનમાં મોટા ભાગનાં કારણો પાછળ બાળપણના તેના અનુભવો હોય છે. ભય તથા અન્ય માનસિક ગ્રંથિઓ જે બાળપણમાં લાદવામાં આવી હશે તે અચેતન મનમાં દબાયેલી પડી રહે છે. અને મોટપણે તે રહસ્યાત્મક રૂપમાં કાર્ય કરવા માંડે છે અને તે વ્યક્તિ માટે હાનિકારક નીવડે છે.તાણથી માથાનો દુખાવો, બ્લ્ડ પ્રેશર, વા, ગેસ્ટ્રીક અલ્સર, હૃદયરોગ અને બીજાં ઘણાં દરદો થાય છે. આ સંસારની માયા માનવી જ્યાં સુધી સંપૂર્ણપણે મૂકી ન દે ત્યાં સુધી તે તાણમાંથી મુક્ત થઈ શકતો નથી પણ તેની અસર તો અલબત્ત, ઓછી કરી શકે છે જ. એ માટેના ઉપાયો મિ. સેગિટેરિક્સે પોતાના એક લેખમાં આ પ્રમાણે બતાવ્યા છે :(1) જેના પર તમને વિશ્વાસ હોય તેને તમારી સમસ્યા જણાવો અને તેનું સમર્થન મેળવો. માનવતાપૂર્ણ સહાનુભૂતિ જાદુઈ અસર કરે છે…. ક્યારેક તો તે દવાઓ કરતાં વધુ કામિયાબ નીવડે છે. સમસ્યા રજૂ કરવાથી તેનો ઉકેલ પણ મળી આવે છે.(2) મૂળ સમસ્યાને થોડા સમય માટે ભૂલી જાઓ. એથી મનમાં તાજગી આવશે અને બીજી રીતે હલ કરવાનો રસ્તો સૂઝશે.(3) એક જ સમયે એક જ કામ કરો. એથી ટેન્શનથી બચી જવાય છે.(4) શક્તિ બહારની ઈચ્છાઓ નહિ રાખવાથી તાણની સ્થિતિ પેદા થતી નથી.(5) શાંતિ રાખો.(6) ટીકા પ્રત્યે બેદરકાર રહો. બધા પાસેથી પ્રશંસાની આશા રાખવી વ્યર્થ છે. અન્યની પ્રગતિને આદરથી જુઓ. ભલે તમે તેને મદદ ન કરી શકો પણ માનપૂર્વક તો જુઓ.(7) તમારી ભૂલોનો સ્વીકાર કરજો. એથી ક્યારેક તો એવાં સારાં પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.(8) અન્યને મદદ કરજો. દુ:ખ ભૂલવા અને સદભાવ મેળવવાનો આ સહેલો રસ્તો છે.(9) કોઈ સાથે ઝઘડો થયો હોય કે ગેરસમજ થઈ હોય તો તેનું સમાધાન કરવા પહેલ કરજો. આવે વખતે પહેલ કરવી એ ફાયદાકારક છે.(10) નવરાશને સમયે તમને ગમતું કાર્ય કરજો. તાણ દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. ઊંડા શ્વાસોશ્વાસ તથા ધ્યાનમાં બેસવાથી પણ ટેન્શનમાંથી મુક્ત થઈ શકાય છે.(જીવનમાં સુખી થવું છે ? – મુકુન્દ પી. શાહ પુસ્તકમાંથી સાભાર.)

No comments: